1 Samuel 14

1એક દિવસે, શાઉલના દીકરા યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, “આવ, આપણે પલિસ્તીઓનું લશ્કર જે બીજી તરફ છે ત્યાં જઈએ.” પણ તેણે પોતાના પિતાને એ કહ્યું નહિ.

2શાઉલ ગિબયાના છેક અંતિમ ભાગમાં મિગ્રોનમાં દાડમના એક ઝાડ નીચે રોકાયો. આશરે છસો માણસો તેની સાથે હતા, 3અને શીલોમાં ઈશ્વરના યાજક એલીના દીકરા, ફીનહાસના દીકરા, ઇખાબોદના ભાઈ, અહીટુબના દીકરા અહીયાએ એફોદ પહેરેલો હતો. યોનાથાન ગયો છે તે લોકો જાણતા નહોતા.

4યોનાથાન જે રસ્તે થઈને પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની બન્ને બાજુએ ખડકની ભેખડો હતી એક બાજુની ભેખડનું નામ બોસેસ અને બીજીનું નામ સેને હતું. 5એક ભેખડની હદ ઉત્તરે મિખ્માશ તરફ હતી અને બીજી ભેખડ દક્ષિણે ગેબા તરફ આવેલી હતી.

6યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, “આવ, આપણે બેસુન્નતીઓના લશ્કરની છાવણીમાં જઈએ. કદાચ ઈશ્વર આપણા માટે કામ કરશે, કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવામાં ઈશ્વરને કોઈ અવરોધ હોતો નથી.” 7તેના શસ્ત્રવાહકે જવાબ આપ્યો કે, “જે સર્વ તારા મનમાં છે તે કર. આગળ વધ, તારી બધી આજ્ઞાઓ પાળવાને હું તારી સાથે છું.”

8પછી યોનાથાને કહ્યું, “આપણે તે માણસોની પાસે જઈએ અને આપણે તેમની નજરે પડીએ. 9જો તેઓ આપણને એમ કહેશે, ‘જ્યાં સુધી અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી ઊભા રહો’ - તો આપણે આપણી જગ્યાએ રહીશું અને તેઓની પાસે નહિ જઈએ. 10પણ જો તેઓ કહેશે, ‘અમારી પાસે ઉપર આવો,’ તો પછી આપણે ઉપર જઈશું; કેમ કે ઈશ્વરે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે. એ આપણે સારુ ચિહ્ન થશે.”

11તેઓ બન્નેએ પોતાને પલિસ્તીઓના લશ્કરની આગળ જાહેર થવા દીધા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જે ગુફાઓમાં હિબ્રૂઓ સંતાઈ રહ્યા હતા તેઓમાંથી તેઓ બહાર નીકળે છે.” 12પછી લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્ત્રવાહકને કહ્યું, “અમારી પાસે ઉપર આવો, અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “મારી પાછળ આવ, કેમ કે ઈશ્વરે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”

13યોનાથાન ઘૂંટણીયે પડીને ઉપર ચઢયો અને તેનો શસ્ત્રવાહક તેની પાછળ પાછળ ગયો. યોનાથાનની આગળ પલિસ્તીઓ માર્યા ગયા અને તેના શસ્ત્રવાહકે કેટલાકની પાછળ પડીને તેઓને માર્યા. 14એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં યોનાથાને તથા તેના શસ્ત્રવાહકે જેઓની પ્રથમ કતલ કરી તેઓ આશરે વીસ માણસો હતા.

15છાવણીમાં, રણક્ષેત્રમાં તથા લોકોમાં ભય વ્યાપ્યો. લશ્કર તથા લૂંટ કરનારાઓ પણ ગભરાઈ ગયા. ત્યાં ધરતીકંપ જેવી ધ્રુજારી પ્રસરી ગઈ.

16ત્યારે શાઉલના ચોકીદારોએ કે જેઓ બિન્યામીનના ગિબયામાં હતા તેઓએ જોયું; કે પલિસ્તીઓના સૈનિકોનો સમુદાય વિખેરાઈ જતો હતો, તેઓ અહીંતહીં દોડતા હતા. 17ત્યારે શાઉલે પોતાની સાથે જે લોકો હતા તેઓને કહ્યું, “ગણતરી કરીને જુઓ કે આપણામાંથી કોણ ગુમ થયેલ છે.” જયારે તેઓએ ગણતરી કરી ત્યારે યોનાથાન અને તેનો શસ્ત્રવાહક ગુમ થયેલા હતા.

18શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ” - કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલના સૈનિકો સાથે અહિયા પાસે હતો. 19જયારે શાઉલ યાજકની સાથે વાત કરતો હતો, તે દરમ્યાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધતો ને વધતો ગયો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”

20શાઉલ તથા તેની સાથે જે સર્વ લોકો હતા તેઓ એકત્ર થઈને લડવાને ગયા. દરેક પલિસ્તીની તરવાર પોતાના સાથીની વિરુદ્ધ હતી, ત્યારે શત્રુના સૈન્યમાં ભારે ગૂંચવાડો ઊભો થયો. 21હવે જે હિબ્રૂઓ અગાઉની પેઠે પલિસ્તીઓ સાથે હતા અને જેઓ તેઓની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ પણ શાઉલ તથા યોનાથાનની સાથેના ઇઝરાયલીઓની સાથે ભળી ગયા.

22ઇઝરાયલના જે બધા માણસો એફ્રાઈમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તેઓએ સાંભળ્યું કે પલિસ્તીઓ નાસી રહ્યા છે, ત્યારે તેઓ પણ લડાઈમાં તેઓની પાછળ પડયા. 23એમ ઈશ્વરે તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો અને લડાઈ બેથ-આવેનથી આગળ વધી.

24તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થયા હતા કેમ કે શાઉલે લોકોને સોગન દઈને કહ્યું હતું, “સાંજ પડે ત્યાં સુધી અને મારા શત્રુઓ પર મારું વેર વાળું ત્યાં સુધી કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તો તે શાપિત થાઓ,” માટે લોકોમાંથી કોઈએ કશું ખાધું નહિ. 25પછી સર્વ લોક વનમાં આવ્યા અને ત્યાં ભૂમિ ઉપર મધ હતું. 26લોકોએ વનમાં પ્રવેશ કર્યો ત્યારે, મધ ટપકતું હતું, પણ કોઈએ પોતાના હાથથી મધ લઈને ચાખ્યું નહિ કેમ કે તેઓ સોગનથી બીતા હતા.

27પણ યોનાથાનને ખબર ન હતી કે તેના પિતાએ લોકોને સોગન દીધા હતા. તેથી તેણે તો પોતાના હાથમાં જે લાકડી હતી તે લાંબી કરીને તેનો છેડો, મધપૂડામાં નાખીને તેને લાગેલું મધ ચાખ્યું. અને તેની આંખોમાં તેજ આવ્યું. 28અને લોકોમાંથી એક જણે કહ્યું, “તારા પિતાએ લોકોને સોગન આપીને સખત રીતે હુકમ કર્યો છે, ‘જે માણસ આજે અન્ન ખાય તે શાપિત થાય.’ તે સમયે લોકો નિર્બળ થઈ ગયા હતા.”

29ત્યારે યોનાથાને કહ્યું, “મારા પિતાએ દેશને હેરાન કર્યો છે. જો મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે કેમ કે મેં થોડું મધ ચાખ્યું છે, 30જો આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી ભરપેટ ખાધું હોત, તો કેટલો વધારે ફાયદો થાત? કેમ કે તેથી તો હાલ પલિસ્તીઓમાં જે કતલ થઈ છે તેના કરતાં પણ ઘણી ભારે કતલ થઈ હોત.”

31અને તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓ પર હુમલો કરતા ગયા. પરંતુ લોકો ઘણાં નિર્બળ થયા. 32તેથી લોકો લૂંટ પર તૂટી પડ્યા અને ઘેટાં, બળદો અને વાછરડા લઈને, ભૂમિ ઉપર તેઓનો વધ કર્યો. લોકો લોહી સાથે તે ખાવા લાગ્યા.

33ત્યારે તેઓએ શાઉલને કહ્યું, “જો, લોકો રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે.” શાઉલે કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે. હવે, એક મોટો પથ્થર ગબડાવીને મારી પાસે લાવો.” 34શાઉલે કહ્યું, “તમે લોકો મધ્યે જાઓ, તેઓને કહો, ‘દરેક માણસ પોતાનો બળદ, પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, અહીં તેઓને કાપે અને ખાય. પણ તમે રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરશો નહિ.’” અને તેઓમાંના દરેક માણસે એ રાત્રે પોતપોતાના બળદ લાવીને તેઓને ત્યાં કાપ્યા.

35શાઉલે ઈશ્વરને માટે વેદી બાંધી, એ તેણે ઈશ્વરને માટે બાંધેલી પ્રથમ વેદી હતી.

36પછી શાઉલે કહ્યું, “ચાલો આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ અને સવાર સુધી તેઓને લૂંટીએ; તેઓમાંના એક પણ માણસને જીવતો રહેવા ન દઈએ.” તેઓએ કહ્યું, “જે કંઈ તને સારું લાગે તે કર.” પણ યાજકે કહ્યું કે, “ચાલો આપણે અહીં ઈશ્વરની સમક્ષ એકત્ર થઈએ.” 37શાઉલે ઈશ્વર પાસે સલાહ માગી, “શું હું પલિસ્તીઓની પાછળ પડું? શું તમે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપશો?” પણ ઈશ્વરે તે દિવસે કંઈ ઉત્તર આપ્યો નહિ.

38પછી શાઉલે કહ્યું, “અહીં આવો, સર્વ લોકોના આગેવાનો તમે અહીં આવો; જુઓ અને જાણો કે આજે આ પાપ કયા કારણથી થયું છે? 39કેમ કે, ઇઝરાયલને બચાવનાર ઈશ્વર જે જીવે છે તેમના સમ દઈને કહું છું જો તે મારો દીકરો યોનાથાન હશે તો પણ, તે નક્કી માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.

40ત્યારે શાઉલે સર્વ ઇઝરાયલને કહ્યું, “તમે એક બાજુએ રહો, હું અને મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ.” લોકોએ શાઉલને કહ્યું, “જે તને સારું લાગે તે કર.” 41એ માટે શાઉલે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને કહ્યું, “અમારા દોષો જણાવો.” ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા, પણ પસંદ કરાયેલા લોક બચી ગયા. 42પછી શાઉલે કહ્યું, “મારી અને મારા દીકરા યોનાથાન વચ્ચે ચિઠ્ઠીઓ નાખો. “ત્યારે ચિઠ્ઠી દ્વારા યોનાથાન પકડાયો.

43ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, “તેં શું કર્યું છે તે મને કહે.” યોનાથાને તેને કહ્યું કે, “મારા હાથમાં લાકડી હતી તેના છેડાથી મેં કેવળ થોડું મધ ચાખ્યું છે. હું અહી છું; મારે મરવું પડે એમ છે.” 44શાઉલે કહ્યું, “ઈશ્વર એવું અને એથી વધારે મને કરો, યોનાથાન તું નિશ્ચે મરશે.”

45લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલને મોટો વિજય અપાવ્યો છે તે મરશે? એવું ન થાઓ! જીવંત ઈશ્વરના સમ, તેના માથાનો એક પણ વાળ ભૂમિ પર પડનાર નથી, કેમ કે તેણે આજે ઈશ્વરની સહાયથી જ આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવ્યો તેથી તે મરણ પામ્યો નહિ. 46પછી શાઉલે પલિસ્તીઓની પાછળ પડવાનું બંધ કર્યું અને પલિસ્તીઓ પોતાને સ્થળે ગયા.

47જયારે શાઉલ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત થયો ત્યાર પછી તે તેની આજુબાજુનાં સર્વ શત્રુઓની એટલે મોઆબની વિરુદ્ધ, આમ્મોનીઓની વિરુદ્ધ, અદોમની વિરુદ્ધ, સોબાના રાજાઓની વિરુદ્ધ તથા પલિસ્તીઓની વિરુદ્ધ લડયો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો. 48તેણે બહાદુરીથી અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલ લોકોને લૂંટારાઓના હાથમાંથી બચાવ્યા.

49યોનાથાન, યિશ્વી અને માલકીશુઆ શાઉલના દીકરા હતા. તેની બે દીકરીઓનાં નામ આ હતાં એટલે મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મીખાલ. 50શાઉલની પત્નીનું નામ અહિનોઆમ હતું; તે અહિમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબ્નેર હતું, તે શાઉલના કાકા નેરનો દીકરો હતો. 51કીશ શાઉલનો પિતા હતો; અને આબ્નેરનો પિતા નેર, એ અબિયેલનો દીકરો હતો.

શાઉલના આયુષ્યભર પલિસ્તીઓ સાથે સખત યુદ્ધ ચાલ્યા કર્યું. જયારે પરાક્રમી કે કોઈ બહાદુર માણસ શાઉલના જોવામાં આવતો, ત્યારે તે તેને પોતાની પાસે રાખી લેતો હતો.

52

Copyright information for GujULB